ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ટરનૅશનલ ક્રાઇમ્સ ટ્રિબ્યુનલે બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાને કોર્ટના અવમાનના કેસમાં છ મહિનાની જેલની સજા ફટકારી છે.
બાંગ્લાદેશમાં તત્કાલીન સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો બાદ ગયા વર્ષે જુલાઈમાં શેખ હસીનાને સત્તા છોડવી પડી હતી. તે પછી, આ પહેલીવારની ઘટના છે કે જ્યારે શેખ હસીનાને કોઈ પણ કેસમાં સજા ફટકારવામાં આવી હોય.
આ કેસમાં અન્ય એક આરોપી શકીલ અકંદ બુલબુલને બે મહિનાની જેલની સજા ફટકારવામાં આવી હતી.
મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, “આ સજા તે દિવસથી અમલમાં આવશે જ્યારે તેઓ (શેખ હસીના) આત્મસમર્પણ કરશે અથવા પોલીસ તેમની ધરપકડ કરશે.”
અગાઉ, મુખ્ય ફરિયાદી તાજુલ ઇસ્લામે શેખ હસીના વિરુદ્ધ કોર્ટની અવમાનના ફરિયાદ દાખલ કરી હતી.
સોશિયલ મીડિયા પર એક ઑડિયો વાયરલ થયો હતો જેમાં તેણે કહ્યું હતું કે તેને “227 લોકોને મારવાનો લાઇસન્સ” મળ્યો છે.
મુખ્ય ફરિયાદીએ દાવો કર્યો હતો કે આ વાતચીત એઆઈની ન હતી.
ઇસ્લામે કહ્યું, “CID ફૉરેન્સિક રિપોર્ટનું વિશ્લેષણ કર્યા પછી અને બધી દલીલો સાંભળ્યા પછી, કોર્ટ એ નિષ્કર્ષ પર આવી છે કે આ વિવાદાસ્પદ વાતચીત દ્વારા, શેખ હસીનાએ સાક્ષીઓ અથવા તપાસ અધિકારીઓ અને ટ્રાયલ પ્રક્રિયામાં સામેલ લોકોને મારી નાખ્યા અને તેમના ઘર સળગાવી નાખ્યા”
“આ આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ્સ એક્ટ હેઠળ ગુનો છે, જેનો હેતુ આ ટ્રિબ્યુનલની બાકી રહેલી કાર્યવાહીને પ્રભાવિત કરવાનો છે.”
બીજી ટેસ્ટમાં ટૉસ જીતીને ઇંગ્લૅન્ડનો બૉલિંગ કરવાનો નિર્ણય
ઇમેજ સ્રોત, Getty Images
એઝબેસ્ટનમાં રમાઈ રહેલી પાંચ ક્રિકેટ ટેસ્ટ મૅચોની સિરીઝની બીજી મૅચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
ઇંગ્લૅન્ડે પહેલી ટેસ્ટમાં રમેલી ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
પહેલી મૅચ હારી ગયેલી ભારતીય ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે.
ભારતે પ્લેઇંગ 11માં નીતિશ કુમાર રેડ્ડી, વૉશિંગ્ટન સુંદર અને આકાશદીપનો સમાવેશ કર્યો છે.
ટીમ ઇન્ડિયાના કૅપ્ટન શુભમન ગિલે ટોસ દરમિયાન કહ્યું કે જસપ્રીત બુમરાહ આ મૅચનો ભાગ નહીં બને. ગિલે કહ્યું કે બુમરાહ વર્કલોડ મૅનેજમેન્ટને કારણે બીજી ટેસ્ટ રમી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે શાર્દુલ ઠાકુર અને સાઈ સુદર્શન પણ બીજી ટેસ્ટમાં રમી રહ્યા નથી.
ભારતની પ્લેઈંગ 11: યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કૅપ્ટન), ઋષભ પંત, નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વૉશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણ.
ઇંગ્લૅન્ડની પ્લેઇંગ 11: બેન ડકેટ, જેક ક્રોલી, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વૉક્સ, જોશ ટંગ, શોએબ બશીર, બ્રાઇડન કાર્સ.
દલાઈ લામાના ઉત્તરાધિકારીના મુદ્દે ચીને શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
ચીનના વિદેશ મંત્રાલયે દલાઈ લામાના ઉત્તરાધિકારીના મામલે આપેલા નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
બુધવારે તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું હતું કે તેમના મૃત્યુ બાદ પણ ધર્મગુરુ પસંદ કરવાની પરંપરા યથાવત્ રહેશે.
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે દલાઈ લામાના ઉત્તરાધિકારીની ઓળખ લૉટ સિસ્ટમ એટલે કે ચીઠ્ઠી નીકાળવાની પ્રક્રિયાના માધ્યમથી જ કરી શકાય છે.
આ પ્રક્રિયા અંતર્ગત કેટલાંક નામોની ચીઠ્ઠી સોનાના કળશમાં નાખવામાં આવે છે અને તેમાંથી એક પસંદ કરવામાં આવે છે. આ પરંપરા 1792માં શરૂ કરી હતી. અને ભૂતકાળમાં ત્રણ દલાઈ લામાની પસંદગી આ પ્રકારે થઈ હતી. જોકે, હાલના દલાઈ લામાની પસંદગી આ પ્રકારે નહોતી થઈ.
ચીનનું કહેવું છે કે તિબેટનો બૌદ્ધ ધર્મની આ પરંપરા વિશિષ્ઠ છે અને ચીનની સરકારના ‘ધાર્મિક વિશ્વાસોની સ્વતંત્રતા’ની નીતિને અનુકૂળ છે.
બીજી તરફ આલોચકોનું કહેવું છે કે ચીનના અધિકારીઓએ તિબેટના સમૂદાય પર દબાણ બનાવવા માટે આ પ્રક્રિયામાં હેરફેર કર્યો છે. જોકે ચીને તેનું ખંડન કર્યું છે.
બીજી તરફ સેંટ્રલ તિબેટ ઍડમિનિસ્ટ્રેશનના નેતા પેન્પા શેરિંગે ચીન પર આરોપ લગાવ્યો છે કે દલાઈ લામાના ઉત્તરાધિકાર મામલે તે રાજનીતિકરણ કરે છે. તેમણે કહ્યું કે દલાઈ લામાની પસંદગી કરવાની એક ખાસ પ્રક્રિયા છે અને આગળ પણ તેનું પાલન કરવામાં આવશે.
દલાઈ લામાએ પોતાના ઉત્તરાધિકારીને લઈને આપ્યું આ નિવેદન
ઇમેજ સ્રોત, Getty Images
તિબેટના બૌદ્ધ ધર્મગુરુ દલાઈ લામાએ બુધવારે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું છે કે તેમના મૃત્યુ બાદ પણ ધર્મગુરુ પસંદ કરવાની પરંપરા ચાલુ રહેશે.
આ પહેલી વખત છે જ્યારે બૌદ્ધ ધર્મના તિબેટના આધ્યાત્મિક નેતાએ આટલી સ્પષ્ટ રીતે કહ્યું છે કે ઉત્તરાધિકારી પસંદ કરવાની પરંપરા ચાલુ રહેશે.
તેમણે એમ પણ જણાવ્યું છે કે પુનર્જન્મને શોધવા અને ઓળખવાની પ્રક્રિયા ગાદેન ફોડરંગ ફાઉન્ડેશનના આધીન હશે અને “કોઈ અન્યને આ મામલે હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી.”
દલાઈ લામાને તિબેટના સંરક્ષક સંત અવલોકિતેશ્વર કે ચેનરેઝિગનો જીવિત અવતાર માનવામાં આવે છે. દલાઈ લામાની ભૂમિકા પ્રાચીન છે અને 15મી સદીથી અત્યારસુધીમાં 14 દલાઈ લામા થયા છે.
માર્ચમાં પ્રકાશિત પોતાના પુસ્તક “વૉઇસ ફૉર ધ વૉઇસલેસ” માં દલાઈ લામાએ કહ્યું હતું કે એવું પણ થઈ શકે છે કે ઉત્તરાધિકારીનો જન્મ ચીનની બહાર થયો હોય.
મનાય છે કે દલાઈ લામાના નિધન બાદ તેમનો પુનર્જન્મ થાય છે અ આ બાળકની શોધ ધર્મગુરુ કરે છે.
અમેરિકાએ યુક્રેનને હથિયારોની અપાતી આપૂર્તિ રોકી
ઇમેજ સ્રોત, Reuters
વ્હાઇટ હાઉસે કહ્યું છે કે યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે અમેરિકાએ યુક્રેનને આપવામાં આવતાં કેટલાંક હથિયારોની સપ્યાય અટકાવી દીધી છે.
વ્હાઇટ હાઉસનાં પ્રવક્તા એના કેલીએ મંગળવારે કહ્યું કે આ નિર્ણય “અમેરિકાનાં હિતોને સર્વેપરી” રાખીને લેવામાં આવ્યો છે.
અમેરિકાના સંરક્ષણ વિભાગે “અન્ય દેશોને આપવામાં આવી રહેલી અમેરિકાની સૈન્ય સહાયતા અને સહયોગ”ની સમીક્ષા કરી અને ત્યાર પછી આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે.
ફેબ્રુઆરી 2022માં રશિયાના હુમલા બાદ અમેરિકાએ યુક્રેનને અબજો ડૉલરની સૈન્ય સહાયતા મોકલી છે, જેને કારણે ટ્રમ્પ પ્રશાસનમાં કેટલાક લોકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે અમેરિકાનો ભંડાર ઓછો છે.
યુક્રેને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. જોકે, અમેરિકાના અધિકારીઓએ એ નહીં જણાવ્યું કે કયા શિપમૅન્ટને રોકવામાં આવ્યું છે. સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર હથિયારોમાં હવામાં સુરક્ષા માટેની મિસાઇલો અને સટીક હથિયારોનો સમાવેશ થાય છે.
અમેરિકાની સંરક્ષણ નીતિના ઉપસચિવ એલ્બ્રિજ કોલ્બીએ કહ્યું છે કે સંરક્ષણ વિભાગ “યુક્રેનને સૈન્ય સહાયતા ચાલુ રાખવા માટે રાષ્ટ્રપતિને મજબૂત વિકલ્પો આપતું રહેશે.”
ટ્રમ્પે કહ્યું- ઇઝરાયલે 60 દિવસના યુદ્ધવિરામ પર આપી સહમતિ
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઇઝરાયલે ગાઝામાં 60 દિવસના યુદ્ધવિરામને અમલમાં લાવવા માટે જરૂરી શરતો પર પોતાની સહમતિ વ્યક્ત કરી છે.
ટ્રમ્પે ટ્રૂથ સોશિયલ પર લખ્યું, “અમે યુદ્ધને સમાપ્ત કરવા માટે તમામ પક્ષો સાથે મળીને કામ કરીશું.”
જોકે તેમણે શરતો વિશે કોઈ જાણકારી આપી નથી.
ટ્રમ્પે લખ્યું છે, “કતાર અને ઇજિપ્તે શાંતિ સ્થાપિત કરવા માટે ઘણી મહેનત કરી છે. તેઓ જ અંતિમ પ્રસ્તાવને પેશ કરશે. મને આશા છે કે હમાસ આ સમજૂતિનો સ્વીકાર કરશે કારણકે આનાથી યોગ્ય સ્થિતિ અન્ય કોઈ ન હોઈ શકે પરંતુ ખરાબ જ હશે.”
સાતમી ઑક્ટોબર, 2023ના રોજ હમાસે ઇઝરાયલ પર હુમલો કર્યો હતો જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. પછી ઇઝરાયલે ગાઝામાં સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.
હમાસના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ગાઝામાં અત્યારસુધી ઓછામાં ઓછા 56 હજાર 647 લોકો માર્યા ગયા છે. જોકે એ સ્પષ્ટ નથી કે હમાસ આ શરતોનો સ્વીકાર કરશે કે નહીં?
ટ્રમ્પની ઘોષણા આવતા સપ્તાહે ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે થનારી બેઠક પહેલાં થઈ છે. જેને લઈને ટ્રમ્પે કહ્યું કે તેઓ ઘણા દૃઢ રહેશે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનું માનવું છે કે નેતન્યાહૂ પણ ગાઝામાં દુશ્મની સમાપ્ત કરવા માગે છે. ટ્રમ્પે કહ્યું, “મને લાગે છે કે અમે આવતા સપ્તાહે સમજૂતી કરી લઈશું.”
ઇઝરાયલના લગભગ 50 બંધકો હજુ ગાઝામાં છે. જેમાંથી ઓછામાં ઓછા 20ના જીવિત હોવાની સંભાવના છે.
તુર્કીમાં મહમદ પયગંબરના કથિત કાર્ટૂનના મામલે લોકોનું વિરોધપ્રદર્શન
ઇમેજ સ્રોત, Getty Images
તુર્કીમાં એક વ્યંગ મૅગેઝિનમાં એક કાર્ટૂન પ્રકાશિત કરવાના મામલે ચાર કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્ટૂનમાં કથિત રીતે મહમદ પયગંબરને દર્શાવવામાં આવ્યા હતા.
ઇસ્લામમાં મહમદ પયગંબરનું કોઈ પણ ચિત્ર દ્વારા નિરુપણ કરવાની મનાઈ છે.
બીબીસીના યાંગ તિયાનના અહેવાલ પ્રમાણે તુર્કીના ગૃહમંત્રી અલી યેરલિકાયાએ લેમૅન મૅગેઝિનમાં છપાયેલા ચિત્રને ‘બેશરમી’ ગણાવીને તેની ટીકા કરી હતી.
તેમણે કહ્યું કે મૅગેઝિનના મુખ્ય સંપાદક, ગ્રાફિક ડિઝાઇનર, ઇન્સ્ટિટ્યૂશનલ ડાયરેક્ટર અને કાર્ટૂનિસ્ટને પકડવામાં આવ્યા છે.
લેમૅન મૅગેઝિને આ કાર્ટૂન એ મહમદ પયગંબરનું હોવાની વાતને નકારી કાઢી હતી.
મૅગેઝિને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે આ કામ કોઈ પણ રીતે મહમદ પયગંબરને રજુ કરતું નથી.
સોમવારે સેંકડો લોકોએ આ પબ્લિકેશન વિરુદ્ધ પ્રદર્શનો કરતા ઇસ્તંબુલમાં પોલીસ ગોઠવવામાં આવી હતી.
મૅગેઝિનની ઑફિસની બહાર પ્રદર્શનકારીઓએ નારા પણ લગાવ્યા હતા.
ટ્રમ્પનું બિગ બ્યૂટીફૂલ બિલ અમેરિકન સેનેટમાં પસાર, શું છે આ બિલમાં?
ઇમેજ સ્રોત, AFP via Getty Image
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ખર્ચ અને ટૅક્સ સાથે સંકળાયેલું બિલ અમેરિકાની સેનેટમાં પસાર થઈ ગયું છે. આ સાથે જ આ ખરડાએ એક મહત્ત્વનો અવરોધ પાર કર્યો છે.
વન બિગ બ્યૂટીફૂલ બિલને 24 કલાક કરતા વધુ સમય સુધી ચાલેલી દલીલો પછી ઉપ રાષ્ટ્રપતિ જેડી વાંસના ટાઈ-બ્રેકિંગ વોટથી પસાર કરવામાં આવ્યો હતો.
હવે આ બિલ સંસદના નીચલા ગૃહમાં જશે. અહીં આ બિલને આકરા વિરોધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટીના નિયંત્રણ હેઠળની કૉંગ્રેસને હસ્તાક્ષર કરવા માટે ફાઇનલ બિલ ચોથી જુલાઈ સુધી મોકલવાની સમય મર્યાદા આપી છે.
રાષ્ટ્રપતિની સહી થતાની સાથે જ આ બિલ એક કાયદો બની જશે. આ બિલમાં સોશિયલ પ્રોગ્રામના ખર્ચમાં કાપ મૂકવાની વાત હોવાથી તેના લીધે વિવાદ થયો છે.
આ બિલના સમર્થન અને વિરોધમાં એક સરખા વોટ પડ્યા હતા. તેથી ઉપ રાષ્ટ્રપતિ જેડી વાંસનો વોટ નિર્ણાયક સાબિત થયો.
અલાસ્કાનાં સેનેટર લિસા મુર્કોવ્સ્કીએ લાંબી ડિબેટ પછી ખરડો પસાર કરવાને ટેકો આપ્યો. તેના કારણે સેનેટમાં ફાઇનલ વોટની સંખ્યા 50-50 થઈ ગઈ.
આ બિલ પસાર થયા પછી ટ્રમ્પે કહ્યું કે, “આ બહુ સારો ખરડો છે અને તેમાં બધા માટે કંઈક છે.”
અમેરિકામાં ઇસ્કૉન મંદિર પર ગોળીબાર બાદ ભારતના મહાવાણિજ્ય દૂતાવાસે શું કહ્યું?
ઇમેજ સ્રોત, @iskcon/X
અમેરિકાના યૂટાના સ્પેનિશ ફોર્કમાં સ્થિત ઇસ્કૉન મંદિર પર થયેલા ગોળીબાર પર સાન ફ્રાન્સિસ્કોમાં આવેલા ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસે પ્રતિક્રિયા આપી છે.
મહાવાણિજ્ય દૂતાવાસે ઍક્સ પર લખ્યું, “અમે યૂટાના સ્પેનિશ ફોર્કમાં ઇસ્કૉન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર પર હાલમાં જ થયેલી ગોળીબારીની ઘટનાની સખત નિંદા કરીએ છીએ.”
“મહાવાણિજ્ય દૂતાવાસ તમામ ભક્તો અને સમુદાય સાથે ઊભું છે. સ્થાનિક પ્રશાસન પાસેથી અમે માગ કરીએ છીએ કે જે લોકો આ ઘટના માટે જવાબદાર છે તેની સામે તરત કડક પગલાં ભરવામાં આવે.”
સાથે ગોળીબારીની ઘટનાની જાણકારી ઇસ્કૉન મંદિરે પણ પોતના ઍક્સ એકાઉન્ટ પર આપી.
ઇસ્કૉન મંદિરે લખ્યું, “અમેરિકાના યૂટાના સ્પેનિશ ફોર્કમાં સ્થિત ઇસ્કૉન શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર, જે પોતાની હોળી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, તેને હાલમાં સંદિગ્ધ હેટ ક્રાઇમનો સામનો કરવો પડ્યો છે.”
“છેલ્લા કેટલાક દિવસોથી મંદિર અને તેની આસપાસની જગ્યાઓ પર 20થી 30 ગોળીઓ ચલાવવામાં આવી છે. આ ઘટના રાતના સમયે થઈ. જ્યારે મંદિરની અંદર ભક્ત અને મહેમાન ઉપસ્થિત હતા. આ હુમલાને કારણે મંદિરની ઇમારતને હજારો ડૉલરનું નુકસાન થયું છે.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન